ડૉ. કુમારપાળ દેસાઈ

 ·  સંક્ષિપ્ત પરિચય ·

DrKumarpalDesai.jpg

સામાન્ય રીતે આપણે આકાશમાં વાદળાં જોઈએ છીએ, પણ આખુંય આકાશ જોઈએ, ત્યારે એની વિરાટતાનો કેવો ભવ્ય ખ્યાલ આવે છે. નદીઓના બે કિનારા જોયા હોય, પણ જ્યારે ઊછળતો લહેરાતો મહાસાગર જોઈએ, ત્યારે ખરી ભવ્યતાનો અનુભવ થાય. નાના નાના પર્વતો જોયા પછી હિમાલયને જોઈએ, ત્યારે કેવી અનુભૂતિ થાય ? આજે આપણી સમક્ષ એવું વ્યક્તિત્વ છે કે જેણે એના સાહિત્યસર્જન, શિક્ષણ, પત્રકારત્વ, સમાજલક્ષી કાર્ય અને ધર્મચિંતન દ્વારા કોઈ એક ક્ષેત્રનો નહીં, બલ્કે અનેક ક્ષેત્રોમાં વિશાળ આકાશ અને અગાધ દરિયા જેવો અનુભવ કરાવ્યો છે.

જૈન ધર્મ અને દર્શનવિષયક એંસીથી વધુ પુસ્તકોની રચના કરનાર, દેશ અને વિદેશમાં જૈન ધર્મ વિશેનાં પ્રેરણાદાયી વ્યાખ્યાનો આપનાર અને જુદા જુદા ધર્મોની વૈશ્વિક પરિષદોમાં જૈનદર્શનને અસરકારક રીતે પ્રસ્તુત કરનાર તેમજ અખબારો અને સામયિકોમાં સતત જૈન ધર્મનાં વિવિધ પાસાંઓ વિશે લેખો લખનાર પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈનું કામ વિશ્વના જૈન સમાજમાં એક ‘લિજન્ડ’રૂપ બની ગયું છે.

છેલ્લાં પંચાવન વર્ષથી પ્રેરક, મૂલ્યનિષ્ઠ અને આધ્યાત્મિક સાહિત્યસર્જન કરીને ડૉ. કુમારપાળ દેસાઈએ માત્ર રાજ્ય કે રાષ્ટ્રમાં જ નહીં, બલ્કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા હાંસલ કરી છે. સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ, સમાજસેવા અને સંસ્કૃતિ-વિચારક તરીકેનું એમનું વ્યક્તિત્વ ચોપાસ માનવીય ભાવનાઓ અને આધ્યાત્મિક અભીપ્સાઓની સુવાસ ફેલાવતું રહ્યું છે. સાહિત્યમાં ચરિત્ર, વિવેચન, સંશોધન, ચિંતન, અનુવાદ, પ્રૌઢ સાહિત્ય, નવલિકા, ધર્મદર્શન વગેરે વિશે ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 150થી વધુ ગ્રંથો લખનાર ડૉ. કુમારપાળ દેસાઈનાં પાંચ પુસ્તકોને કેન્દ્ર સરકારનાં અને ચાર પુસ્તકોને ગુજરાત સરકારનાં પારિતોષિકો પ્રાપ્ત થયાં છે.

ગુજરાતી ભાષામાં તૈયાર થઈ રહેલા ગુજરાતી વિશ્વકોશના તેઓ એક આધારસ્થંભ છે. 1985ની બીજી ડિસેમ્બરે અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના હૉસ્ટેલના ભોજનગૃહમાં શરૂ થયેલી આ સંસ્થા આજે એના વિશાળ ભવન સાથે ગુજરાતની એક ઉત્કૃષ્ટ સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થા બની છે. આ સંસ્થાના ઉપક્રમે વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે; જેમાં વ્યાખ્યાનશ્રેણી, કાવ્ય-સંગીત શ્રેણી, નાટ્યપઠન, નૃત્યપ્રસ્તુતિ દ્વારા એક ઉત્તમ કાર્ય ચાલી રહ્યું છે. આ બધાની પાછળ પ્રેરકબળ તરીકે ડૉ. કુમારપાળ દેસાઈ કામ કરી રહ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ, ભાષાસાહિત્યભવનના ડિરેક્ટર અને આર્ટ્સ ફૅકલ્ટીના ડીન તરીકે નિવૃત્ત થયેલા ડૉ. કુમારપાળ દેસાઈએ 38 વર્ષ સુધી અધ્યાપનકાર્ય કર્યું. સામાન્ય રીતે વ્યક્તિ એક વિષયમાં પીએચ.ડી. ગાઇડ હોય છે, જ્યારે ડૉ. કુમારપાળ દેસાઈ જુદા જુદા પાંચ વિષયોમાં પીએચ.ડી.ના માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. જૈન વિશ્વભારતી ઇન્સ્ટિટ્યૂટના પ્રોફેસર એમરિટ્સ અને ગૂજરાત વિદ્યાપીઠના એડજન્ક્ટ પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય સાથે જોડાયેલા છે. તેમજ એમના માર્ગદર્શન હેઠળ વીસ વિદ્યાર્થીઓએ પીએચ.ડી.ની પદવી મેળવી છે અને તેમાં સાધ્વીજી મહારાજો પણ છે. અત્યારે પાંચ જેટલાં સાધ્વી-મહાસતીજીઓ એમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. કરી રહ્યાં છે.

છેલ્લાં પંચાવન વર્ષથી તેઓ પત્રકારત્વક્ષેત્રે આગવું પ્રદાન કરી રહ્યા છે. માત્ર 11 વર્ષની ઉંમરે ‘ઝગમગ’ સાપ્તાહિકમાં અનામી શહીદની કથા લખીને પ્રારંભ કરનાર કુમારપાળ દેસાઈની જાહેર જીવનમાં નૈતિક મૂલ્યોની મહત્તા અને ભારતીય સંસ્કૃતિની પ્રતિભાઓનો પરિચય આપતી તેમજ માનવજીવનને ઊર્ધ્વગામી બનાવતી એમની દર અઠવાડિયે પ્રગટ થતી ‘ઈંટ અને ઇમારત’, ‘ઝાકળ બન્યું મોતી’, ‘પારિજાતનો પરિસંવાદ’ તેમજ ‘આકાશની ઓળખ’ જેવી કૉલમોને બહોળી લોકચાહના પ્રાપ્ત થઈ છે. 1953થી જયભિખ્ખુએ શરૂ કરેલી કૉલમ 1970થી કુમારપાળ દેસાઈ લખી રહ્યા છે. 67 વર્ષથી પિતા-પુત્રે એક કૉલમ લખી હોય, તે વિરલ ઘટના છે. પિતા-પુત્રની સાહિત્યસેવાનો વિચાર કરીએ તો 106 વર્ષની ગુજરાતી સાહિત્યની સેવા ગણાય. પત્રકારત્વના શિક્ષણ ઉપરાંત ‘અખબારી લેખન’, ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ એમના પત્રકારત્વ વિશેના મહત્વના ગ્રંથો છે.

ભારતીય સંસ્કૃતિ અને જૈનદર્શન વિશેનાં એમનાં પ્રવચનોએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ઇંગ્લૅન્ડ, અમેરિકા, પૂર્વ આફ્રિકા, કૅનેડા, સિંગાપુર, બેલ્જિયમ, હૉંગકૉંગ વગેરે દેશોમાં પર્યુષણ નિમિત્તે તેમજ અન્યથા તેમનાં વ્યાખ્યાનોએ વ્યાપક જિજ્ઞાસા જગાડી છે. 1993માં શિકાગોમાં અને 1999માં કેપટાઉનમાં યોજાયેલી ‘પાર્લમેન્ટ ઑફ વર્લ્ડ રિલિજિયન્સ’માં અને 1994માં વેટિકનમાં પોપ જોન પોલ (દ્વિતીય)ની મુલાકાત લેનાર પ્રતિનિધિ મંડળના જૈનદર્શનના વિચારક તરીકે ધર્મચર્ચા કરી હતી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના તેઓ ભારત ખાતેના ટ્રસ્ટી છે. સમાજ, ધર્મ અને રાષ્ટ્રને ઉપયોગી કામગીરી કરતા ડૉ. કુમારપાળ દેસાઈ શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ દ્વારા સાહિત્યિક અને સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. ‘વિદ્યાવિકાસ ટ્રસ્ટ’, ‘આઇ કૅર ફાઉન્ડેશન’, ‘અનુકંપા ટ્રસ્ટ’, ‘કુમાર ટ્રસ્ટ’, ‘ઇન્ડિયન રેડક્રૉસ સોસાયટી (બોટાદ બ્રાન્ચ)’ વગેરેમાં ટ્રસ્ટી તરીકે સેવાઓ આપે છે.

2010થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા ડૉ. કુમારપાળ દેસાઈની કોઈ તીર્થંકર કે વિભૂતિ વિશેની ત્રણ દિવસની રસપ્રદ અને ચિંતનગંભીર કથાનું આયોજન કરવામાં આવે છે. એમણે અત્યાર સુધીમાં ‘શ્રી મહાવીર કથા’, ‘શ્રી ગૌતમ કથા’, ‘શ્રી ઋષભ કથા’, ‘શ્રી નેમ-રાજુલ કથા’, ‘શ્રી પાર્શ્વ-પદ્માવતી કથા’ અને ‘કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય કથા’, ‘શ્રીમદ્ રાજચંદ્ર કથા’ પ્રસ્તુત કરી છે અને અમદાવાદ, ધરમપુર, કચ્છ, લંડન અને છેક લોસએન્જલિસ સુધી આ કથાઓની રસપ્રદ રજૂઆતથી એક નવીન સૃષ્ટિનું સર્જન કર્યું છે.

સાહિત્ય, સંસ્કૃતિ, ધર્મ-તત્વજ્ઞાન વગેરે ક્ષેત્રની તેની પ્રવૃત્તિના અભિવાદન રૂપે 1980માં ‘ટેન આઉટ સ્ટૅન્ડિંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયા’નો ઍવૉર્ડ, ઇંગ્લૅન્ડમાં ‘હેમચંદ્રાચાર્ય ઍવૉર્ડ’, ‘ગૌરવ પુરસ્કાર’, ‘હરિઓમ આશ્રમ ઍવૉર્ડ’, કે. જી. નાયક સુવર્ણચંદ્રક, ‘જૈના’ દ્વારા ‘પ્રેસિડેન્ટ સ્પેશ્યલ ઍવૉર્ડ’, ‘જૈન જ્યોતિર્ધર ઍવૉર્ડ’ અને ‘ગુજરાત રત્ન ઍવૉર્ડ’ પ્રાપ્ત થયેલ છે. પત્રકારત્વના પ્રદાન માટે યજ્ઞેશ શુક્લ ઍવૉર્ડ અને નવચેતન રૌપ્ય ચંદ્રક, ‘બેસ્ટ સ્પૉર્ટ્સ જર્નાલિસ્ટ’ના ઍવૉર્ડ મળ્યા છે. ‘સંસ્કૃતિ સંવર્ધન ઍવૉર્ડ’, ‘જૈનરત્ન’, ‘જૈન ગૌરવ ઍવૉર્ડ’, ‘જૈનવિભૂષણ’, ‘અહિંસા રત્ન ઍવૉર્ડ’, શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા ઍવૉર્ડ તેમજ ગુજરાતી સાહિત્યના નોબેલ પારિતોષિક સમો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા છે.

વેટિકનમાં પોપ જ્હૉન દ્વિતીય સાથે, લંડનમાં ડ્યૂટ ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપ સાથે તો આફ્રિકામાં નેલ્સન મંડેલા સાથે જૈન ધર્મવિષયક વાર્તાલાપ કરનાર કુમારપાળ દેસાઈને ભારત જૈન મહામંડળ દ્વારા ‘જૈનરત્ન ઍવૉર્ડ’, તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી દ્વારા ‘જૈનરત્ન ઍવૉર્ડ’, જૈન ઑફ જૈનોલૉજીના મૅનેજિંગ ડાયરેક્ટર તરીકે એમણે વિશ્વભરમાં જૈન ધર્મના પ્રસારની કામગીરી બજાવી છે. 2004માં તે સમયના રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ‘પદ્મશ્રી’નું રાષ્ટ્રીય સન્માન એનાયત કર્યું છે.